ભચાઉ નગરપાલિકા ચૂંટણીમાં ભીલ આદિજાતિ સમાજ દ્વારા મતદાનનો બહિષ્કાર
ભચાઉ નગરપાલિકા ચૂંટણીમાં ભીલ આદિજાતિ સમાજ દ્વારા મતદાનનો બહિષ્કાર
ભચાઉ નગરપાલિકાની ચૂંટણીમાં ભીલ આદિજાતિ સમાજને એકપણ સીટ ફાળવવામાં ન આવતા સમાજના આગેવાનો દ્વારા મતદાનના બહિષ્કારની જાહેરાત કરવામાં આવી છે.
ભચાઉમાં ભીલ આદિજાતિ સમાજના 213 મતદારો છે, અને આદિજાતિ વસ્તી લગભગ 5000ની છે. છતાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભીલ સમાજને એક પણ સીટ ફાળવવામાં આવી નથી. સમાજના આગેવાનોના મતે, આ નિર્ણય ભારતના બંધારણના 74મા સુધારા હેઠળ અનુચ્છેદ 243(ડી)(ઘ)ના નિયમોની વિરુદ્ધ છે, જેમાં વસ્તી પ્રમાણે સીટ ફાળવવાની જોગવાઈ છે.
ભીલ સમાજના આગેવાનોએ કહ્યું છે કે તેઓએ ગુજરાત ચૂંટણી આયોગના સચિવશ્રી જી.સી. બ્રહ્મભટ્ટને લેખિતમાં આ મામલે રજુઆત કરી છે. જો સમયસર કોઈ નિર્ણાયક પગલું નહીં લેવાય, તો આદિજાતિ સમાજ રેલી, ધરણા અને પ્રદર્શન જેવા પગલાં લેશે.
આંદોલનમાં ભચાઉ તાલુકાના ગ્રામ આગેવાનો અને અન્ય ભીલ સમાજના પ્રતિનિધિઓએ પણ સહભાગિતા દર્શાવી છે. હક્ક માટે લડત ચાલુ રાખવાની અને મતદાનનો પૂરેપૂરો બહિષ્કાર કરવાની સ્પષ્ટતા આગેવાનો દ્વારા કરવામાં આવી છે.
ભીલ આદિજાતિ સમાજના આગેવાનોનું કહેવું છે કે તેઓના હક્કને મેળવીને રહેવા માટે કોઈ પણ કસર બાકી નહીં રાખે.

