ભચાઉ ફાયર ટીમની એક કલાકની જહેમત બાદ 300 ફૂટ ઊંડા બોરવેલમાંથી મૃત ગલૂડિયાને બહાર કઢાયું
ભચાઉ ફાયર ટીમની એક કલાકની જહેમત બાદ 300 ફૂટ ઊંડા બોરવેલમાંથી મૃત ગલૂડિયાને બહાર કઢાયું
લાકડિયાની ખીરાણી સોસાયટીમાં ત્રણ દિવસથી બોરવેલમાં પડેલા ગલૂડિયાના મૃતદેહને કેમેરા અને મીંદડીની મદદથી બહાર કઢાયો
ભચાઉ, કચ્છ: ભચાઉ તાલુકાના લાકડિયા ગામે SBI બેંક પાછળ આવેલી ખીરાણી સોસાયટીમાં ચાલુ બોરવેલમાં ગલૂડિયું પડી જવાની ઘટના સામે આવી હતી. અંદાજે 300 ફૂટ ઊંડા બોરવેલમાં ત્રણ દિવસથી ગલૂડિયું પડ્યું હતું. બોરવેલમાં આશરે 100 ફૂટની ઊંડાઈ સુધી પાણી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે તારીખ 16/10/2026ના રોજ સાંજે 4:30 વાગ્યે 112 મારફતે ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં જ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ દરમિયાન ગલૂડિયું મૃત્યુ પામ્યું હોવાનું સામે આવ્યું હતું. મૃતદેહમાંથી દુર્ગંધ ફેલાતાં સોસાયટીના રહીશોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભચાઉ ફાયર ટીમે કેમેરાની મદદથી બોરવેલની અંદરની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ મીંદડીની મદદથી મૃત ગલૂડિયાને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર ટીમે આશરે એક કલાકની જહેમત બાદ ગલૂડિયાને બોરવેલમાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. આ રેસ્ક્યૂ કામગીરીમાં ભચાઉ ફાયર ટીમના પ્રવીણ દાફડા, કુલદીપભાઈ અને શક્તિસિંહ જોડાયા હતા - અહેવાલ: અલ્પેશ જી. પ્રજાપતિ, ભચાઉ
