આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો! રૂ.63 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો! રૂ.63 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
ભીમાસરમાં ભાડાના મકાન અને દુકાનમાં દરોડો; 604 પેટી દારૂ-બિયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
રાપર તાલુકાના ભીમાસર ગામે મોટી કાર્યવાહી, 23,729 બોટલો સહિત રૂ.62.95 લાખનો મુદ્દામાલ કબજે
રાપર, કચ્છ: પૂર્વ કચ્છના રાપર તાલુકાના ભીમાસર ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂ.62,95,061ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ભીમાસર ગામે પૃથ્વીરાજસિંહના ભાડાના મકાન અને દુકાનમાં દરોડો પાડ્યો હતો. દરમિયાન સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની આશરે 604 પેટી તથા કુલ 23,729 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ અને બિયરના જથ્થાની કિંમત રૂ.62,95,061 આંકી છે. આ દરોડા દરમિયાન ભીમાસર ગામના રહેવાસી રામદેવસિંહ દિલુભા વાઘેલાને ઝડપી પાડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ભીમાસર ગામે આટલી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતાં દારૂના નેટવર્કને લઈને અનેક સવાલો ઊભા થયા છે. હવે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો, તે સહિતની વિગતો તપાસ દરમિયાન બહાર આવે તેવી શક્યતા છે.
