કચ્છના વનપાલ-વનરક્ષકોની પડતર માંગણીઓને લઈને આંદોલનની ચીમકી
કચ્છના વનપાલ-વનરક્ષકોની પડતર માંગણીઓને લઈને આંદોલનની ચીમકી
ચારેય વન વિભાગના DCFને આવેદનપત્ર, માંગણીઓ નહીં સંતોષાય તો રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળની ચેતવણી
કચ્છ: ગુજરાત રાજ્યના વનરક્ષક અને વનપાલ સંવર્ગના કર્મચારીઓના વર્ષોથી પડતર રહેલા વિવિધ પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે કચ્છ જિલ્લા વનપાલ-વનરક્ષક યુનિયન દ્વારા રજૂઆત કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં વન વિભાગના કર્મચારીઓમાં પડતર પ્રશ્નોને લઈને અસંતોષ જોવા મળી રહ્યો હોવાનું યુનિયન દ્વારા જણાવાયું છે.
કચ્છ જિલ્લા વનપાલ-વનરક્ષક યુનિયન દ્વારા કચ્છ પશ્ચિમના DCF, કચ્છ પૂર્વના DCF, બન્ની ગ્રાસલેન્ડના DCF તથા કચ્છ સામાજિક વનીકરણના DCFને આવેદનપત્ર આપી કર્મચારીઓના વિવિધ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી છે.
યુનિયનના જણાવ્યા મુજબ વનરક્ષક રાજ્યના વન, વન્યજીવ અને પર્યાવરણના સંરક્ષણની કામગીરીમાં પાયાની ફિલ્ડ કેડર છે. પ્રતિકૂળ વાતાવરણ, અંતરિયાળ વિસ્તારો, વન્યજીવોના જોખમો અને મર્યાદિત માનવબળ વચ્ચે કર્મચારીઓ સતત ફરજ બજાવે છે. તેમ છતાં લાંબા સમયથી સેવા, પગાર, બદલી, સુરક્ષા અને વહીવટી પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં કર્મચારીઓમાં અસંતોષ છે.
મુખ્ય માંગણીઓ વનરક્ષક તથા વનપાલ કર્મચારીઓને સુરક્ષા અને સિક્યુરિટી એલાઉન્સ આપવા, રજાના દિવસે બજાવવામાં આવતી ફરજના દિવસો તથા રજા પગાર અંગે યોગ્ય નિર્ણય કરવા માંગ કરવામાં આવી છે.
તે ઉપરાંત વનરક્ષક કેડરના પગાર ધોરણમાં રહેલી વિસંગતતા દૂર કરવા ઉચ્ચ કક્ષાની વિભાગીય સમિતિ રચી સમગ્ર પગાર માળખાની સમીક્ષા કરવાની માંગ કરવામાં આવી છે. વનપાલની ભરતી અને ખાલી પડેલી જગ્યાઓ અંગે પણ નીતિગત નિર્ણય લઈ રાઉન્ડ, બીટ તથા રેન્જનું વિસ્તરણ કરી નવી જગ્યાઓ ઊભી કરવાની માંગ કરાઈ છે. સાથે જ વનરક્ષક અને વનપાલ કર્મચારીઓના લાંબા સમયથી પડતર બદલીના પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવાની રજૂઆત કરવામાં આવી છે.
માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલન યુનિયન દ્વારા જણાવ્યા મુજબ સરકાર અને સંબંધિત વિભાગ સમક્ષ અગાઉ પણ વિવિધ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવતાં હવે તબક્કાવાર આંદોલનનો માર્ગ અપનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
આંદોલનના કાર્યક્રમમાં કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવવી, પેન-ડાઉન કાર્યક્રમ, સરકારી વોટ્સએપ ગ્રુપમાંથી બહાર નીકળવું, ઓનલાઇન કામગીરી તથા રેસ્ક્યુ સિવાયની કામગીરી બંધ કરવી, માસ CL અને અંતે અનિશ્ચિત મુદતની હડતાળ જેવા કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. કચ્છ જિલ્લા વનપાલ-વનરક્ષક યુનિયને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ટૂંકા સમયમાં કર્મચારીઓની માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળ સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.
યુનિયને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને સમગ્ર મામલે હસ્તક્ષેપ કરી સંબંધિત વન અને પર્યાવરણ વિભાગ, નાણાં વિભાગ તથા સામાન્ય વહીવટ વિભાગ સમક્ષ કર્મચારીઓના પ્રશ્નો રજૂ કરી યોગ્ય નિર્ણય કરાવવા વિનંતી કરી છે.


